મધમાખી ઉછેરનો વ્યવસાય-"જાણો સિક્કાની બીજી બાજુ."

ભારતના ગુજરાત રાજ્ય માં આવેલા ઇન્ડીજીનસ હની ના મધમાખી ઉછેર કેન્દ્ર માં કરવામાં આવતી મધમાખી ઉછેરની પ્રવૃત્તિ

"ગુજરાતમાં ઘણા લોકો મધના વ્યવસાય કરતા મધમાખીના વ્યવસાયમાં વધુ રસ લઈ રહ્યા છે."

હું 2012 થી મધમાખી ઉછેરના વ્યવસાય સાથે જોડાયેલો છું આટલા વર્ષોમાં ઘણી વાતો નજર સામે આવી છે જે નવા મધપાલક કે મધમાખી ઉછેરમા પ્રવેશવા ઇચ્છતા વ્યક્તિએ જાણવી જરૂરી છે.

વર્તમાન સમયમાં ભારતભરમાં લાખો નવયુવાનો અને ખેડૂતોની આશભરી નજર મધમાખી ઉછેરના વ્યવસાય તરફ છે જેમાં માનનીય પ્રધાનમંત્રી મોદીજીના “સ્વીટ રિવોલુસ્યન” અભિયાનનું મોટું યોગદાન છે. અને મધમાખી ઉછેરએ વર્તમાન સમયની જરૂરિયાત છે પણ ખરા કેમ લોકોની સ્વાસ્થ્યસંબંધી, રોજગારસંબંધી અને ખેડૂતોની ફલિકરણસંબંધી ઘણી સમસ્યાઓનું સમાધાન મધમાખી પાલનમાં રહેલું છે.

પરંતુ એક સિક્કાની બે બાજુ હોય એવી રીતે એક નકારાત્મક પાસું પણ વિકસી રહ્યું છે “ગુજરાતમાં લોકો મધના વ્યવસાય કરતા મધમાખીના વ્યવસાયમાં વધુ રસ લઈ રહ્યા છે” જેનો ભોગ ઉત્સાહી નવયુવાનો અને ભોળા ખેડૂતો બની રહ્યા છે. ઘણા લોકો પ્રલોભનયુક્ત અને તથ્યોવિહોણી વાતો કરી માત્ર મધમાખીઓ વેચી રહ્યા છે જેઓએ જાતે ક્યારેય વ્યવસાયિક ધોરણે મધ ઉત્પાદન કર્યું પણ નથી અથવા તો એમ પણ કહી શકાય કે એમનો વ્યવસાય જ મધનીપેટીઓની દલાલીનો છે.

મધમાખી ઉછેર અને પશુપાલનને લોકો સમાન નજરથી જોઈ રહ્યા છે પરંતુ વાસ્તવિકતા ઘણી અલગ છે. વ્યવસાયિક રીતે મધનું ઉત્પાદન એક જગ્યાએ રહીને કરવું શક્ય નથી કારણ કે એક જગ્યાએ રહીને મધમાખીઓને 365 દિવસ પુષ્કળ ફૂલો મળી રહે તેવી વ્યવસ્થા કરવી લગભગ અશક્ય છે કારણ કે 100 મધમાખીની પેટીઓ માટે લમસમ 250 વીઘા જેટલો ફૂલોવાળો વિસ્તાર જોઈએ. મધમાખીઓને બારેમાસની ફૂલો મળશે તોજ વ્યવસાયિક રીતે પોષાય એટલું મધ મેળવી શકાશે આથી જ વ્યવસાયિક મધમાખી પાલકો સમયે સમયે મધમાખીઓ પેટીઓનું સ્થાન બદલાવ્યા કરે છે.

ગુજરાતમાં રાઈ, અજમો, વરિયાળી, ધાણા, તુવેર, રજકો, તલ, ગાંડા બાવળ અને નારીયેલી જેવા પાકો મધમાખી માટે ઉપયોગી છે.

ઘઉં, કપાસ, મગફળી, જુવાર, ડાંગર, જેવા પાકો મધમાખી માટે ઉપયોગી નથી જેની ખાસ નોંધ લેવી.

ગુજરાત અને ઉત્તર ભારતની ભૌગોલિક પરિસ્થિતિ ઘણી અલગ છે જેથી આપણે ગુજરાતમાં મધ ઉત્પાદન પ્રમાણમાં ઘણું ઓછું મળે છે જેના કારણોમાંવધુ તાપમાન, ગ્રીન બી ઇટર પક્ષીનું વધુ પ્રમાણ અને ખેતીમાં જંતુનાશક દવાઓનો વધુ પડતો ઉપયોગ છે.

મધના ભાવ વિશે પણ લોકોના મનમાં ઘણી ભ્રમણાઓ પ્રવર્તે છે જો વ્યક્તિ ઉત્પાદિત મધનું પેકીંગ કરી જાતે વેચાણ કરશે તો ગુણવતા અને માર્કેટિંગ પ્રમાણે સારા એવા ભાવ મેળવી શકશે પરંતુ હોલસેલ રેટથી ટ્રેડર્સ કે કંપનીને આપશે તો નગણ્ય ભાવોથી વેચવુ પડશે જેથી માર્કેટ વિશે જાતે માહિતી મેળવીને શરૂઆત કરવી.

મધમાખીની પેટી વેચનારા મોટાભાગે અતિશયોક્તિ પૂર્ણ વાતો કરતા હોવાથી પ્રોજેકટ રિપોર્ટ બનાવતા પૂર્વ યોગ્ય તાપસ કરવી જોઈએ અને લૉન કે ફાયનાન્સ કરી ને આ વ્યવસાયમાં ઉતારવું ભૂલ ભર્યું છે. શરૂઆત હંમેશા નાના પાયેથી કરવી, જાત અનુભવ મેળવી વધુ રોકાણ કરવું જોઈએ.

દાડમ, આંબા જેવા બાગાયતી પાકોમાં ફલિકરણ માટે મધમાખીની પેટી મુકનારા લોકોએ પહેલા મધમાખી માટે નુકશાનકારક જંતુનાશક દવાઓ વિશે પૂરતી માહિતી મેળવી લેવી જોઈએ કેમ કે મધમાખી ખૂબ સૌમ્ય કીટક(ડંખ હોવા છતાંય...!!) છે જંતુનાશકો સામે ટકી શકતી નથી. મધમાખી ઉછેરમાં નિષ્ફળ થયેલા બાગાયતી ખેડૂતોની યાદી બહુ મોટી છે.

મારો અંગત મત એવો પણ છે કે મધમાખી પ્રત્યે થોડો પણ લગાવ હોય તોજ આ વ્યવસાયમાં આગળ વધવું કેમ કે માત્ર આર્થિક પાસું ધ્યાનમાં લઇ ને આવનાર મધમાખીઓ ડંખથી જલ્દી ડઘાઈ જાય છે.