મધના મહત્વનું બાઇબલમાં વર્ણન

પ્રાચીન ઇસ્રાએલનો એક સૈનિક યુદ્ધમાંથી થાકીને લોથપોથ થઈને પાછો ફરી રહ્યો હતો. તેણે એક ઝાડ પર મધપૂડાંમાંથી મધ ટપકતું જોયું. તેણે પોતાની લાકડીથી મધપૂડામાં ઘોંચીને એમાંથી ખાધું. તરત જ, “તેની આંખોમાં તેજ આવ્યું” અને તેને તાકાત મળી. (૧ શમૂએલ ૧૪:૨૫-૩૦) બાઇબલનો આ અહેવાલ બતાવે છે કે મધથી માણસોને ફાયદા થાય છે. મધમાંથી તરત જ તાકાત મળે છે, કેમ કે એમાં લગભગ ૮૨ ટકા કાર્બોહાઈડ્રેટ્સ હોય છે. તમે માની જ નહિ શકો, પણ ફક્ત ૩૦ ગ્રામ મધમાંથી મધમાખીને એટલી તાકાત મળે છે કે એ જાણે આખી દુનિયા ફરીને આવી શકે છે!

શું મધમાખી ફક્ત માણસો માટે જ મધ બનાવે છે? ના, તે પોતાના માટે મધ બનાવે છે કેમ કે એ જ એનું ભોજન છે. એક સામાન્ય કદના મધપૂડાંની મધમાખીઓને ભોજનમાં લગભગ ૧૦થી ૧૫ કિલોગ્રામ મધની જરૂર હોય છે જેથી શિયાળામાં જીવી શકે. મોસમ સારું હોય તો એક મધપૂડાંમાં લગભગ ૨૫ કિલો મધ તૈયાર થાય છે. આ રીતે જરૂર પડે ત્યારે વધારે મધ તૈયાર થાય છે. એને ક્યાં તો માણસો એકઠું કરીને ખાય છે અથવા તો રીંછ કે રૈનુક જેવા પ્રાણીઓ એની મઝા માણે છે.

મધમાખીમધ કેવી રીતે બનાવે છે? ખોરાકની શોધમાં મધમાખી અલગ અલગ ફૂલોમાંથી પોતાની નળી જેવી જીભથી મધુરસ ચૂસે છે. એ રસ પોતાના બે પેટમાંના એક પેટમાં જમા કરે છે. એ મધુરસ લઈને પોતાના મધપૂડાંમાં આવે છે. અહીં આ રસ બીજી મધમાખીઓને આપવામાં આવે છે, જેઓ એને લગભગ અડધા કલાક સુધી “ચાવે” છે. તેમ જ પોતાના મોંની ગ્રંથિઓમાંથી (ગ્લેન્ડ્‌સ) નીકળતા એન્ઝાઈમને એમાં મેળવે છે. પછી એને પોતાના મધપૂડાંના છ કોણવાળા ખાનાઓમાં રાખે છે, જે મધુમીણથી બનેલું હોય છે. એમાંથી પાણી સૂકાવવા માટે તે પોતાની પાંખો ફફડાવીને હવા કાઢે છે. જ્યારે પાણીનું પ્રમાણ ૧૮ ટકાથી પણ ઓછું થઈ જાય છે ત્યારે તેઓ એ ખાનાઓમાં મીણનું એક પાતળું કવર બનાવીને ઢાંકી દે છે. ઢાંકેલું મધ ખરાબ થતું નથી, એને હંમેશા ખાઈ શકાય છે. કહેવામાં આવે છે કે લગભગ ૩,૦૦૦ વર્ષ જૂની ફારૂનની કબરમાંથી મળી આવેલું મધ આજે પણ ખાઈ શકાય છે.