મધમાખીઓ અને ફૂલોનો પારસ્પરિક સંબંધ

મધમાખીઓ અને ફૂલો એકબીજા સાથે પારસ્પરિક સંબંધ ધરાવે છે. મધમાખીઓ ખોરાકની(ફૂલનો રસ અને પરાગરજ) શોધમાં એક ફૂલ ઉપરથી બીજા ફૂલ ઉપર જાય છે. આ દરમ્યાન પરાગરજનું પણ એક ફૂલ ઉપરથી બીજા ફૂલ ઉપર સ્થાનાંતરણ થઇ જાય છે. જેના પરિણામે પરાગનયન પ્રક્રિયા થાય છે.

મધમાખીઓ અને ફૂલ

પરાગરજનું ફૂલના નર અવયવ પુકેસરમાંથી સ્ત્રીકેસરના પરાગઆસન પર સ્થાનાંતરણની પ્રક્રિયાને પરાગનયન કહેવામાં આવે છે.

છોડ સહિત દરેક જીવંત પ્રાણીનું ધ્યેય પોતાનો વરસો જીવંત રાખવાનો હોય છે. વનસ્પતિના બીજ એટલે તેના સંતાન. નવી વનસ્પતિ ઉત્પન્ન કરવા માટે બીજમાં આનુવંશિક માહિતી હોય છે.

ફૂલો છોડના પ્રજનન અંગો છે.

પરાગરજનું સમાન પ્રજાતિના ફૂલો વચ્ચે સ્થાનાંતરણ થાય ત્યારે જ બીજ ઉત્પન્ન થાય છે. પરાગનયનની પ્રક્રિયા બે સમાન પ્રજાતિના ફૂલો વચ્ચે જ થાય છે, બે અલગ અલગ પ્રજાતિના ફૂલો વચ્ચે આ પ્રક્રિયા થતી નથી.

નિશ્ચિત પ્રકારનું પરાગરજ નિશ્ચિત સમયે નિશ્ચિત જગ્યાએ પહોચાડવાની ક્રિયા એટલે પરાગનયન.

હવે પ્રશ્ન એ છે કે આ પરાગરજ એક ફૂલમાંથી બીજા ફૂલમાં પહોચાડવી કેવી રીતે?

પરાગરજને એક ફૂલમાંથી બીજા ફૂલ પર પહોચાડવા ફૂલોને પરાગ વાહકો પર આધારિત રહેવું પડે છે. આ પરાગવાહકોમાં પવન, પાણી, પક્ષીઓ, ભમરી, મધમાખીઓ, પતંગિયાઓ, ચામાચિડિયા અને અન્ય પ્રાણીઓનો સમાવેશ થાય છે જે ફૂલોની મુલાકાત લે છે. પ્રાણીઓ અથવા કીટકો જે પરાગરજને એક ફૂલથી બીજા ફૂલ સુધી સ્થાનાંતરિત કરે છે તેને પરાગવાહક(પોલિનેટર) તરીકે ઓળખવામાં આવે છે. આ પરાગવાહકની(પોલિનેટર) શ્રણીમાં મધમાખીનું કાર્ય ખુબજ મહત્વનું છે.

હવે પ્રશ્ન એ છે કે પરાગવાહકો ફૂલોની મુલાકાત શા માટે આવે?

પરાગનયન એ કોઈ ઇરાદાપૂર્વક થતી ક્રિયા નથી પરંતુ એક આકસ્મિક સંજોગમાં કીટકો અથવા પ્રાણીઓ દ્વારા થાય છે, કારણ કે ફૂલોમા તેઓ ખોરાક મેળવવાના આશયથી આવે છે.

કીટકો અને અન્ય પ્રાણી પરાગવાહકો ઊર્જા સભર ફૂલોનો રસ અને / અથવા પ્રોટિન-સમૃદ્ધ પરાગ ખોરાકના સ્વરૂપમાં મેળવે છે. ફૂલો પાસે થી ખોરાક મેળવ્યા પછી,મધમાખી(પરગવાહક) પરાગનયનનું કાર્ય કરી તેનો અભાર વ્યકત કરે છે.

કીટકો(પરગવાહકો) પાસેથી પરાગનયનનું કાર્ય કરાવવા માટે ખોરાકનું પ્રલોભન પર્યાપ્ત હોય છે, છતાં પણ વનસ્પતિઓ ફૂલોની પાંખડીઓનો આકાર, સુગંધ અને રંગોના મિશ્રણનો ઉપયોગ કરીને પરાગરજ વાહકોને આકર્ષિત કરે છે.

પરાગનયનની ક્રિયા પછી સ્ત્રીકેસરના પરાગઆસન પર લાગેલી પરાગરજ પરાગવાહીકાનું સ્વરૂપમાં પરિવર્તિત થાય છે અને અંડાશય સુધી પહોચે છે. પરાગરજ (પુરુષ અંગ) સ્ત્રીના અંડાશય સાથે એકીકૃત થાય ત્યારે ફર્ટિલાઈઝેશન થાય છે.

પરાગનયનની પ્રક્રિયા બે પ્રકારની છે.

સ્વ-પરાગનયન અને પર-પરાગનયન

સ્વ-પરાગનયન

જો પરાગરજનું સ્થાનાંતરણ એક ફૂલના પુકેસર પરથી તે જ ફૂલ ના સ્ત્રીકેસર પર થાય અથવા તે જ છોડના અન્ય ફૂલના સ્ત્રીકેસર પર થાય તો તેને સ્વ-પરાગનયન(સેલ્ફ પોલીનેશન) કહેવાય છે. કીટક પરાગરજવાહકો હાજર ન હોય તો પણ સ્વ-પરાગાધાન પ્રજાતિઓ પ્રજનન કરી શકે છે. જો કે, સ્વ-પરાગનયન દ્વારા પ્રજનન આનુવંશિક વિવિધતા ઘટાડો થાય છે.

ક્રોસ પોલિનેશનને પ્રોત્સાહન આપવા, આનુવંશિક વિવિધતામાં વધારો કરવા માટે અને પરાગરજવાહકોને આકર્ષવા માટે વનસ્પતિઓએ વિવિધ પ્રકારના જાતીય વ્યૂહરચના વિકસાવી છે.

પર-પરાગનયન

જો પરાગરજનું સ્થાનાંતરણ એક ફૂલના પુકેસર પરથી તે જ પ્રજાતિના અન્ય છોડના ફૂલના સ્ત્રીકેસર પર થાય તો તેને પર-પરાગનયન(ક્રોસ પોલીનેશન) કહેવાય છે. પરાગરજવાહકો(પોલિનેટર) એક છોડ પર કેટલાક ફૂલોની મુલાકાત લઈ શકે છે અથવા સમાન પ્રજાતિના અલગ અલગ છોડ પર કેટલાક ફૂલોની મુલાકાત લઈ શકે છે. પરાગનયન માટે સૌથી મહત્વપૂર્ણ અને કાર્યક્ષમ વાહક મધમાખી છે. ફળના ઉત્પાદનમાં શ્રેષ્ઠ વળતર મેળવવાનું હોય તો મધમાખીની પ્રવૃત્તિનો અભ્યાસ આવશ્યક છે.

વિશિષ્ટ પરાગનયન

વિશિષ્ટ વનસ્પતિ અને પરાગરજવાહક સંબંધોના ઘણા ઉદાહરણો છે. જેમાં ફૂલો અને કીટકો પરસ્પર ફાયદાકારક લક્ષ્યોને પૂર્ણ કરવા માટે એકબીજાને અનુકૂલિત થાય છે. આ સહ-ઉત્ક્રાંતિનું ઉદાહરણ છે.

કેટલાક ઓર્કિડમાં ફૂલોએ પરાગરજવાહકોને આકર્ષવા માટે કુશળ માર્ગો વિકસ્યા છે, જેમાં ફૂલ સ્ત્રી કીટક જેવું દેખાય છે. દૃષ્ટિ અને / અથવા સુગંધનો ઉપયોગ કરીને,નર કીટક માદા કીટક જેવા દેખાતા ફૂલ ને મળવા આવે છે. આવી રીતે માદા કીટક જેવા દેખાતા ફૂલ પોતાનું પરાગનયન કરવીલે છે.